સુરતના વરાછા વિસ્તારમાં ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચ આપીને એક તબીબ સહિત 13 લોકો પાસેથી કુલ રૂ. 4.23 કરોડની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડી કરનાર ટોળકીએ અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવીને વિશ્વાસ કેળવ્યો હતો અને અંતે મોટી રકમ લઈ ફરાર થઈ ગઈ હતી. છેતરપિંડીની શરૂઆત કચ્છની એક ટોળકીએ વરાછાના તબીબ સાથે વેઈટ લોસના નામે મિત્રતા કેળવીને કરી હતી.
સુરતમાં ક્રિપ્ટોમાં 5 ટકા નફાની લાલચે છેતરપિંડી
આ ટોળકીએ તબીબને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા પર દર મહિને 5% નફો મળવાની લાલચ આપી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે, તેમણે તબીબ પાસેથી રૂ. 50,000નું રોકાણ કરાવ્યું અને નિયમિત રીતે દર મહિને નફાની રકમ ચૂકવી. આના કારણે તબીબને ટોળકી પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો.આ વિશ્વાસના આધારે, તબીબે પોતાના 12 સંબંધીઓ અને મિત્રો પાસેથી કુલ રૂ. 4.23 કરોડનું રોકાણ કરાવ્યું. જોકે, આ મોટી રકમનું રોકાણ થયા બાદ, ટોળકીએ એક પણ રૂપિયાનો નફો આપ્યો નહીં અને તેમનો સંપર્ક તૂટી ગયો હતો.













