સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતી વખતે માત્ર હોર્ન મારવા જેવી તદ્દન નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગયો હતો. એક પક્ષના માથાભારે યુવકોએ પોતાના અન્ય સાગરીતોને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.
સુરતમાં ગુંડાઓનો ખાતમો
આ આરોપીઓ હાથમાં તલવાર, પાઇપ અને છરા જેવા ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિકોને પણ આરોપીઓએ હથિયારો બતાવીને ડરાવ્યા હતા. એટલું જ નહીં, આસપાસના લોકોમાં ભયનો માહોલ પેદા કરવા માટે રસ્તા પર અને સોસાયટીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી અનેક મોટરસાયકલ અને ફોર-વ્હીલર વાહનોમાં લાકડીઓ અને હથિયારો વડે બેફામ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા.
