સુરતમાં કરચોરો અને બોગસ બિલિંગના ખેલાડીઓ સામે જીએસટી (GST) વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ૮ મોટા સ્ક્રેપ (ભંગાર) ના વેપારીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પ્રાથમિક તપાસમાં જ રૂપિયા ૮ કરોડથી વધુની સીધી કરચોરી ઝડપાઈ ચૂકી છે. આ કૌભાંડી વેપારીઓએ માલની વાસ્તવિક હેરફેર કર્યા વિના માત્ર કાગળ પર જ ખાલી ટ્રકો દોડાવીને કરોડો રૂપિયાનું બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ખાલી ટ્રકો દોડાવી, કાગળ પર માલ પહોંચાડી દીધો
જીએસટી વિભાગની ઝીણવટભરી તપાસમાં આ ઠગ ડીલરોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે. સ્ક્રેપ વેપારીઓ માત્ર ઈ-વે બિલ અને ચલણો બનાવતા હતા, પરંતુ વાસ્તવમાં ટ્રકોમાં કોઈ માલ ભરાતો જ નહોતો.ટોલ પ્લાઝા અને રસ્તાઓ પરથી માત્ર ખાલી ટ્રકો પસાર કરાવીને કાગળ પર લાખો ટન ભંગારની હેરાફેરી દર્શાવવામાં આવતી હતી.વાસ્તવિક માલની ડિલિવરી વિના જ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું ખોટું ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ કરાવી લેવાનો કારસો રચાયો હતો.
રૂપિયા 8 કરોડથી વધુની કરચોરી સત્તાવાર રીતે પકડાઈ
અધિકારીઓની વિવિધ ટીમો દ્વારા હિસાબી ચોપડા અને નાણાકીય આંકડાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી.પ્રાથમિક તબક્કે જ 8 સ્ક્રેપ ડીલરો દ્વારા આચરવામાં આવેલી ₹8 કરોડથી વધુની કરચોરીના સચોટ પુરાવા હાથ લાગ્યા છે.હજુ પણ અન્ય બેંક ખાતાઓ, બોગસ પેઢીઓ અને વ્યવહારોનું વેરિફિકેશન ચાલી રહ્યું હોવાથી કરચોરીનો આ આંકડો હજુ નોંધપાત્ર રીતે વધવાની પૂરી શક્યતા છે.
CCTV ફૂટેજ અને ડિજિટલ પુરાવા જપ્ત, ફોરેન્સિક તપાસ તેજ
તપાસ અધિકારીઓએ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે મજબૂત ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા છે.ગોડાઉનો, ઓફિસો અને ટોલ પ્લાઝાના સીસીટીવી (CCTV) ફૂટેજ કબ્જે લેવામાં આવ્યા છે, જેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ટ્રકોમાં માલ હતો જ નહીં.વેપારીઓના સ્થળો પરથી લેપટોપ, હાર્ડડિસ્ક, મોબાઈલ ફોન અને બેંકિંગ ડેટા સહિતના મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા સીઝ કરવામાં આવ્યા છે.આ તમામ ડિજિટલ ડેટાનું ફોરેન્સિક એનાલિસિસ શરૂ કરી દેવાયું છે જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો: Ahmedabad News: AMCએ રસ્તા પરથી જપ્ત કરેલો માલ છોડાવવા માટે હવે બમણો ચાર્જ ચૂકવવો પડશે