સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે ઓલપાડ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાદ ખેડૂત અગ્રણીઓએ ઓલપાડ મામલતદારને રૂબરૂ મળીને સરકાર સંબોધિત એક વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પોતાની માંગણીઓ તાકીદે સંતોષવા રજૂઆત કરી હતી.


વીજ ટાવર લાઈન અને સબ સ્ટેશન સામે વિરોધ

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ઓલપાડ પંથકમાંથી પસાર થતી વીજ ટાવર લાઈન અને નવા બની રહેલા સબ સ્ટેશનનો મુદ્દો છવાયો હતો. ખેડૂત સમાજે આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે, ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનોને કારણે ખેતી લાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આથી વીજ ટાવર લાઈન નાખવા બદલ ખેડૂતોને યોગ્ય અને બજાર ભાવ મુજબનું વળતર તેમજ વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કૃષિ નિયમોમાં સુધારા અને પાણી-સિંચાઈની માગ

આવેદનપત્રમાં માત્ર વીજળી જ નહીં, પરંતુ કૃષિ સંબંધિત અન્ય મહત્વના નિયમો અને સરકારી સહાયની વિસંગતતાઓમાં તાત્કાલિક સુધારો કરવાની માગ પણ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત ચોમાસા અને શિયાળુ પાક માટે પાણી, સિંચાઈની યોગ્ય વ્યવસ્થા અને પાક નુકસાનીના વળતર મુદ્દે સરકાર વહેલી તકે કોઈ સ્પષ્ટ અને મક્કમ નિર્ણય લે તેવી માગ ખેડૂતોએ દોહરાવી છે.

ખેડૂત નેતા જયેશ પટેલની આગેવાનીમાં સરકારને ચીમકી

ઓલપાડ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જાણીતા ખેડૂત નેતા જયેશ પટેલ પણ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે જોડાયા હતા. ખેડૂત સમાજે સરકારને ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આ તમામ વ્યાજબી માંગણીઓ પર સરકાર દ્વારા તાત્કાલિક અને સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.


આ પણ વાંચો - Surat News: ઘર કંકાશનો અત્યંત કરુણ અંજામ, રોજિંદા ત્રાસથી કંટાળીને પત્નીએ જ કરી પતિની ઘાતકી હત્યા


  • Follow us on: