ગુજરાત રાજ્યના લેન્ડ રેકોર્ડ વિભાગના કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની ગ્રેડ-પે વધારાની વ્યાજબી માંગણીઓ સંતોષવા માટે રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ગ્રેડ-પે મુદ્દે અગાઉ તબક્કાવાર વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં, 21 સપ્ટેમ્બરથી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે. આ આંદોલનના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યની સીટી સર્વે અને જમીન દફતર કચેરીઓમાં સરકારી કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે, જેનાથી જમીન માપણી અને દસ્તાવેજી કામગીરી અટકી પડી છે.

સર્વેયર અને સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે વધારવા માંગ, તબક્કાવાર આંદોલન

આંદોલનકારી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સર્વેયર કેડરનો ગ્રેડ-પે રૂ. 2400થી વધારીને રૂ. 2800 કરવાની અને સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે રૂ. 2800થી વધારીને રૂ. 4400 કરવાની રજૂઆતનો સમાવેશ થાય છે. આ બાબતે કર્મચારીઓએ 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી પેનડાઉન હડતાળ પાળી હતી અને ત્યારબાદ તમામ કર્મચારીઓ માસ સીએલ (Casual Leave) પર ઉતરી ગયા હતા. છતાં પણ સરકાર તરફથી સ્પષ્ટ નિર્ણય ન આવતાં આખરે 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતના આંદોલનનું આકરું પગલું ભરવામાં આવ્યું છે.

2018થી પડતર પ્રશ્ન અને CMની સૈદ્ધાંતિક મંજૂરી છતાં અમલ ન થતાં રોષ

નોંધનીય છે કે, લેન્ડ રેકોર્ડ કર્મચારીઓનો આ પ્રશ્ન વર્ષ 2018થી પડતર છે. ભૂતકાળમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ માંગણીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવા છતાં, સંબંધિત વિભાગ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી. જેના કારણે કર્મચારી આલમમાં ભારે નારાજગી અને આક્રોશ વ્યાપેલો છે. જ્યાં સુધી ગ્રેડ-પે વધારાનો સત્તાવાર સરકારી પરિપત્ર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાની કર્મચારી મંડળે મક્કમતા દર્શાવી છે.

આ પણ વાંચો : Mehsana News : ઊંઝા APMC પાસેનો રેલવે ઓવરબ્રિજ 7 જ વર્ષમાં જર્જરિત, રોડ પરથી સળિયા બહાર દેખાતાં ચિંતા!