ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાની ઘટનાઓ અત્યંત ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. NCRBના આંકડા મુજબ 2024માં ગુજરાતમાં 568 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2022 થી 2024 દરમિયાન કુલ 1,899 વિદ્યાર્થીઓએ પોતાના જીવન ટૂંકાવ્યા છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ આપણી શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થી સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય સામે મોટા સવાલો ખડા કરે છે.

ચાલુ વર્ષ 2026 દરમિયાન વિદ્યાર્થી આત્મહત્યાની ઘટનાઓ

સુરત શહેર

સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતના અનેક હૃદયદ્રાવક કિસ્સાઓ સામે આવ્યા છે:

  • ઓગસ્ટ 2026: સરકારી મેડિકલ કોલેજના 30 વર્ષીય PG વિદ્યાર્થી ડૉ. હર્ષ પંડ્યાએ રેગિંગ અને મૌખિક અપમાનના આક્ષેપો વચ્ચે આત્મહત્યા કરી હતી, જેને પગલે આરોગ્ય વિભાગે HODને સસ્પેન્ડ કર્યા હતા.
  • સપ્ટેમ્બર 2026: સરકારી મેડિકલ કોલેજના 28 વર્ષીય PG વિદ્યાર્થી ડૉ. યોગેન્દ્ર પ્રજાપતિનો આપઘાતનો બનાવ સામે આવ્યો હતો, જે બે મહિનામાં જ કોલેજમાં બીજો ગંભીર કિસ્સો હતો.
  • સપ્ટેમ્બર 2026: ધોરણ 10ના એક સગીર વિદ્યાર્થીએ નાણાકીય ધમકી અને માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો, જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
  • ઓગસ્ટ 2026: ધોરણ 7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મોબાઈલની લત અને માનસિક તણાવના કારણે આપઘાત કર્યો હતો.
  • માર્ચ 2026: બી.કોમમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ પ્રેમ પ્રકરણ અને વ્યક્તિગત કારણોસર સણિયા કણદે વિસ્તારમાં જીવન ટૂંકાવ્યું હતું.
  • રાંદેર વિસ્તાર: વેડ રોડ પર રહેતી અને રાંદેરમાં અફસા ટાવરના 13મા માળેથી કૂદીને કોલેજીયન યુવતીએ પરીક્ષાના તણાવના કારણે આપઘાત કર્યો હતો.
  • અન્ય એક કિસ્સો (રાંદેર): ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે માતાએ મસ્તી કરવા બાબતે ઠપકો આપતા દાદરની ગ્રીલ પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

અમદાવાદ શહેર

અમદાવાદમાં ચાલુ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની આત્મહત્યાના મુખ્ય કિસ્સાઓ

  • જૂન 2026 : NEET-UGની પુનઃપરીક્ષાના થોડા દિવસો પહેલાં 17 વર્ષના એક NEET ઉમેદવારે આત્મહત્યા કરી હતી.
  • ન્યૂ રાણીપ: એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતે NEETની તૈયારી કરતા વિદ્યાર્થીએ રહેણાંક બિલ્ડિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.
  • ચાંદખેડા: ડૉ. એમ.કે. શાહ મેડિકલ કોલેજના MS મેડિકલ વિદ્યાર્થી ચિંતન પરમાર હોસ્ટેલ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

રાજકોટ શહેર

મારવાડી યુનિવર્સિટી: રાજકોટની ખ્યાતનામ મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં છેલ્લા એક મહિનાની ટૂંકા અંતરમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ સાથે ઘર્ષણ અને લાઠીચાર્જ તથા અટકાયતના બનાવો પણ બન્યા હતા.

અન્ય જિલ્લાઓ અને શહેરો

નડિયાદ (ફેબ્રુઆરી 2026 ): નર્સિંગ કોલેજમાં ભણતા 21 વર્ષના યુવાને શિક્ષક દ્વારા બોડી શેમિંગ અને અન્ય માનસિક ત્રાસથી પરેશાન થઈને સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો.

વડોદરા: ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાત મામલે પોલીસે શાળા અને તેના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે, જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

સાણંદ, અમદાવાદ: ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય બેચલર ઇન ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીએ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં પ્રેમસંબંધના મામલે 3 વ્યક્તિઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

મુખ્ય ચિંતાનો વિષય

આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે, વિદ્યાર્થીઓ પર અભ્યાસનું ભારણ, પરીક્ષાનો ડર, ડિજિટલ લત, રેગિંગ, અને માનસિક ત્રાસ જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. સંસ્થાકીય જવાબદારી અને યોગ્ય માનસિક કાઉન્સિલિંગ સમયસર ન મળવાને કારણે યુવા ધન આત્યંતિક પગલાં ભરવા મજબૂર બની રહ્યું છે, જે એક ગંભીર ચેતવણી સમાન છે.


આ પણ વાંચો: Rajkot News: મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આત્મહત્યા મામલે ઉગ્ર વિરોધ, ABVP કાર્યકર્તાઓ પર પોલીસનો બળપ્રયોગ