સુરત જિલ્લાના ઓલપાડ ખાતે એક અદ્યતન અને સુવિધાપૂર્ણ વૃદ્ધ સેવા આશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવા વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલ વરિષ્ઠ નાગરિકો માટે આરામદાયક અને સગવડભર્યું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોકાર્પણના દરેક પ્રસંગો શુભેચ્છા પાઠવવા જેવા હોતા નથી: હર્ષ સંઘવી
કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ ભાવનાત્મક અને માર્મિક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "ઘણાં બધાં લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હું જતો હોઉં છું, પરંતુ દરેક લોકાર્પણ કે ખાતમુહૂર્ત શુભેચ્છા પાઠવવા જેવા હોતા નથી. જેલના લોકાર્પણમાં જાઉં તો એમ ન કહી શકું કે જેલો વધુમાં વધુ ભરાય. પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં જાઉં તો એવું ન કહી શકું કે પોલીસ સ્ટેશનમાં લોકો વધુને વધુ આવે. હોસ્પિટલના લોકાર્પણમાં એવું ન કહી શકાય કે હોસ્પિટલ વધુમાં વધુ ચાલે, પરંતુ એ કહી શકું કે હોસ્પિટલમાંથી દર્દીઓ સાજા થઈને ઘરે જાય."


