નવરાત્રિ દરમિયાન મોટા-મોટા ગરબા આયોજનોમાં ગ્રાહકોને પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા તપાસવા માટે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે છેલ્લા બે દિવસમાં અલગ-અલગ સ્થળો પર કાર્યવાહી કરી હતી.જેમાં યશસ્વી નવરાત્રિ, ગુજરાત ગરબા ગેલેક્સી, ઓઝી નવરાત્રિ, ગરબી વારસો, સુવર્ણ નવરાત્રિ અને કેસરિયા નવરાત્રિ આયોજનોમાં 116 ફૂડ સ્ટોલ પર પાલિકાની ટીમે તપાસ કરી હતી અને 113 સેમ્પલ લીધા હતા.

તપાસમાં 113 ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા

તમામ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા,જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.નવરાત્રિ ટાણે મોડીરાત સુધી લોકો ગરબાના તાલે ઘૂમે છે અને ભક્તિ અર્ચના કરે છે,ત્યારે ખાણીપીણીની સંસ્થાઓ પર લોકોની ભારે ભીડ હોય છે.જેનો ગેરલાભ કેટલાક લોભિયા વેપારીઓ લે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક હોય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પણ પીરસી દે છે.ગત વર્ષોના અનુભવના આધારે આરોગ્ય વિભાગે શહેરના તમામ મોટા નવરાત્રિ આયોજનોમાં ફૂડ સ્ટોલ પર તપાસ કરી હતી.કુલ 116 સ્થળો પર કરવામાં આવેલી તપાસમાં 113 ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે

આરોગ્ય વિભાગે તમામ સ્થળો પર ફૂડ સ્ટોલ પર સાફ-સફાઈ,સ્વચ્છતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય સર્ટિફિકેટ,ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ કર્મચારીઓએ એપ્રોન, ટોપી અને ગ્લોવ્ઝ પહેર્યા છે કે નહીં તેની તપાસ કરી હતી.જે લોકોએ ફૂડ લાઇસન્સ લીધા નહોતા તેઓને લાઇસન્સ લેવા માટે પણ ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન ગંદકી સહિતના કારણોસર 43 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાના આરોગ્ય વિભાગે ખુદ પાલિકા સંચાલિત ફૂડ ફેસ્ટિવલ 2026માં તપાસ કરી હતી.અઠવાલાઇન્સ ખાતે ફૂડ ફેસ્ટિવલમાં પહોંચેલી આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના 20 સેમ્પલ લીધા હતા. જેને લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Kheda News: ડાકોરમાં નવરાત્રીની મધરાત્રે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ, એક મહિલા સહિત 9 લોકો ઈજાગ્રસ્ત