સુરતમાં તાજેતરમાં રેસિડન્ટ ડોક્ટર ડૉ.હર્ષ પંડ્યાના રેગિંગ અને માનસિક ત્રાસના કારણે થયેલા આપઘાત કેસ બાદ મેડિકલ આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે.આ કરુણ ઘટનાથી પાઠ ભણીને સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને રેગિંગ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય પ્રમાણે હવે કોઈ વિદ્યાર્થીનું રેગીંગ થશે તો એન્ટી રેગિંગ સ્કોડની સાથે HOD પણ જવાબદાર રહેશે.
જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે
નવી માર્ગદર્શિકા અનુસાર કોલેજમાં હવેથી જો કોઈ પણ વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી રેગિંગ સ્કોડ જ નહીં પરંતુ જે તે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ સીધા જવાબદાર ગણાશે.કોલેજમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને સત્રની શરૂઆતથી રેગિંગ અંગેના કડક નિયમો અને કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટ જાણકારી આપવાની રહેશે.જો કોઈ વિદ્યાર્થી તરફથી રેગિંગ અંગેની નાની સરખી પણ ફરિયાદ મળે તો કોલેજ તંત્રે તેના પર તાત્કાલિક અસરથી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.ફરિયાદ કરનાર પીડિત વિદ્યાર્થી કે સાક્ષી આપનાર સાથી વિદ્યાર્થી સાથે ભવિષ્યમાં કોઈ બદલાની ભાવના કે પ્રતિકારની ઘટના ન બને તેની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે.
