સુરત શહેરમાં દર ચોમાસે રોડ-રસ્તા ધોવાઈ જવાની અને ભુવા પડવાની પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા અતિ વ્યસ્ત અને ઔદ્યોગિક રીતે મહત્વના ગણાતા ઉધના મેન રોડ પર આજે મનપાના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો હતો, જ્યાં મુખ્ય માર્ગની વચ્ચે જ એકાએક મોટો ભુવો પડી ગયો હતો.

મનપાના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો

આ ઘટના બની ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલો દૂધની સપ્લાય કરતો એક ટેમ્પો અચાનક આ ભુવામાં ધસી પડ્યો હતો. ટેમ્પોનું વ્હીલ ભુવામાં ઊંડે સુધી ફસાઈ જતાં વાહનચાલકનો જીવ અધ્ધર થઈ ગયો હતો. મેન રોડ પર ટેમ્પો ફસાવાને કારણે થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈને ટેમ્પો ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને મનપાના કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

ટેમ્પો અચાનક ભુવામાં ધસી પડ્યો

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના આક્ષેપ મુજબ, સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવતી વખતે અત્યંત હલકી કક્ષાની કામગીરી કરવામાં આવે છે. સબ-સ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તાવાળા) મટીરીયલનો ઉપયોગ કરવાના કારણે જમીનની અંદર પાણી ઉતરતાની સાથે જ રોડ બેસી જાય છે. શહેરમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરીના વાજા વગાડવામાં આવે છે, તો બીજી તરફ સામાન્ય વરસાદી માહોલમાં જ ઠેર-ઠેર ભુવા રાજ જોવા મળી રહ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓ કોઈ મોટા અકસ્માત કે જાનહાનિને નોતરે તે પહેલાં મનપા કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.

આ પણ વાંચો: Surat: ડભોલી-સિંગણપોર વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ, પાપ છુપાવવા બળજબરીપૂર્વક દવા આપી કરાવાયો ગર્ભપાત