સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહી કરતા કામરેજ તાલુકાના ધાતવા ગામે ધમધમતી એક ગેરકાયદેસર ફ્રૂટ બીયર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલા આ દરોડામાં નકલી ફ્રૂટ બીયરનો મોટો જથ્થો અને બિનઅધિકૃત સામગ્રી ઝડપી પાડવામાં આવી છે.આ ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફ્રૂટ બીયર તૈયાર કરી તેના પર આકર્ષક લેબલ લગાવીને બજારમાં વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું.
ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ
દરોડા દરમિયાન પોલીસને ફેક્ટરીમાંથી બિનઅધિકૃત રીતે તૈયાર કરાયેલી 584 ફ્રૂટ બીયરની બોટલો તેમજ સોડા અને કોલ્ડડ્રિંક બનાવવાની મશીનરી મળી આવી હતી. પોલીસે આ તમામ સાધન સામગ્રી અને બોટલો મળીને કુલ રૂપિયા 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બાતમીના આધારે ધાતવા ગામે રેડ કરીને ગેરકાયદેસર રીતે ચાલતી આ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે.આ સમગ્ર નેટવર્ક પાછળ ધનાલાલ ગુર્જર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.એક્સપાયરી ડેટવાળી 552 બોટલો પણ રાખવામાં આવી હતી જેનો LCBની ટીમે સ્થળ પર જ તાત્કાલિક નાશ કર્યો હતો.
