ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓને ઝારખંડમાં ભીષણ અકસ્માત નડ્યો હોવાના અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પવિત્ર યાત્રાધામ શિખરજી નજીક મોડી રાત્રે જૈન શ્રદ્ધાળુઓને લઈ જતી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં સુરતના એક દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સુરતના જૈન સમાજ અને મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
શિખરજીની યાત્રા પૂર્ણ કરી પરત ફરતી વખતે બસ ઝાડ સાથે અથડાઈ ખાડામાં નમી ગઈ
મળતી વિગતો અનુસાર, ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને બસ મારફતે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગિરિડીહ જિલ્લામાં શિખરજી નજીક મોડી રાત્રે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા શ્રદ્ધાળુઓની બસ રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈને ખાડામાં નમી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસમાં સવાર યાત્રિકોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
સુરતના બાબુલાલ જૈન અને તેમના પત્ની બદામી દેવીનું ઘટનાસ્થળે મોત
આ ગંભીર દુર્ઘટનામાં સુરતના રહેવાસી બાબુલાલ વંશરાજ જૈન અને તેમના પત્ની બદામી દેવીને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, બસમાં સવાર 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમાંથી બે વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગ્રામજનો અને પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા યાત્રિકોને બહાર કાઢીને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતગ્રસ્ત બસ પાસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દઈને સમગ્ર મામલે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતની નદીઓમાં ઔદ્યોગિક ઝેર! સાબરમતી, મહી, નર્મદા અને તાપી નદીમાં મળ્યા જોખમી 'ફોરેવર કેમિકલ્સ'