ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદે બાંધકામો સામે શરૂ કરવામાં આવેલી આકરી ઝુંબેશના ભાગરૂપે સુરત શહેરમાં પણ 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન સીમા હેઠળ આવેલા કોસાડ આવાસ H-૨ વિસ્તારમાં SMC (સુરત મહાનગરપાલિકા) અને પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતમાં અસામાજિક તત્વો સામે 'દાદાનું બુલડોઝર' ચાલ્યું

કોસાડ આવાસની બહાર આવેલા સરકારી પ્લોટ અને રોડ-રસ્તાઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરીને દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ અંગે અવારનવાર ફરિયાદો મળતાં તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મેગા ઓપરેશન નાયબ પોલીસ કમિશનર (DCP) લખધીરસિંહ ઝાલાની સીધી હાજરી અને સુપરવિઝનમાં પાર પાડવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યાં અગાઉ અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓનો ભારે ત્રાસ હોવાના અહેવાલો હતા. જેથી ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત અને અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કોસાડ આવાસ H-2 માં ડિમોલિશન

વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સુરત શહેરમાં શાંતિ અને કાયદાનું શાસન જાળવવા માટે આવા ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકારો સામે લાલ આંખ ચાલુ જ રહેશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ તત્વ કે અસામાજિક ઈસમને ભવિષ્યમાં પણ બક્ષવામાં આવશે નહીં.

 આ પણ વાંચો: Ahmedabadમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, 65 ગરીબો પાસેથી રૂ.8.63 લાખ પડાવાયા