સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જુના કોસંબા વિસ્તારમાં બિનમહત્વપૂર્ણ ગણાતી એક ગુમશુદગી પાછળથી બોલિવૂડ ફિલ્મ 'દ્રશ્યમ'ને પણ શરમાવે તેવી ભયાનક હત્યા સાબિત થઈ છે. વર્ષ 2021-22માં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન 70 વર્ષથી વધુ વયના વૃદ્ધા શાંતાબેન વસાવા અચાનક ગુમ થઈ ગયા હતા. તે સમયે તેમના જમાઈએ મહોલ્લામાં એવી અફવા ફેલાવી હતી કે વૃદ્ધાનું કોરોનાના કારણે અવસાન થયું છે. જોકે, વાસ્તવિકતામાં જમાઈએ પોતાની પત્ની સાથે મળીને સાસુના મોઢા પર ઓશિકું દાબીને શ્વાસ રૂંધી હત્યા કરી નાખી હતી.
કોસંબામાં 'દ્રશ્યમ' ફિલ્મ જેવી ભયાનક હત્યાનો પર્દાફાશ
હત્યા કર્યા બાદ ચાલાક જમાઈએ લાશનો બહાર નિકાલ કરવાના બદલે ઘરની અંદર જ ઊંડો ખાડો ખોદીને સાસુ શાંતાબેનના મૃતદેહને દફનાવી દીધો હતો. પાપ છાપરે ચડીને પોકારે તેમ, તાજેતરમાં આરોપી જમાઈને પોતાની પત્ની સાથે અણબનાવ અને વાંકું પડતાં તે પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પહોંચ્યો હતો અને 4 વર્ષ જૂના આ ભયાનક ગુનાની કબૂલાત કરી લીધી હતી. જમાઈની આ ચોંકાવનારી કબૂલાત સાંભળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
