સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનની ટીમને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. સુરતના મહીધરપુરા રેલ્વે સ્ટેશન પંથક અને આસપાસના વિસ્તારોમાં નશીલા પદાર્થોની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને કોર્ડન કરીને આંતર્યો હતો.
બેગમાંથી નીકળ્યો 10 લાખનો ગાંજો
પોલીસ ટીમે જ્યારે પકડાયેલા શખ્સની તલાશી લીધી ત્યારે તેના કબજામાંથી પ્લાસ્ટિકના પાર્સલમાં પેક કરેલો માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલ (FSL) ની ટીમને બોલાવી તોલ કરાતા આ જથ્થો 20.159 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું, જે કોમર્શિયલ ક્વોન્ટિટીની કેટેગરીમાં આવે છે. આ આખા જથ્થાની ગણતરી કરતા તેની બજાર કિંમત રૂપિયા 10 લાખથી પણ વધુ થાય છે. મહીધરપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગાંજાનો આ તમામ જથ્થો કાયદેસર રીતે જપ્ત કરી લીધો છે.










