સુરત શહેરની અત્યંત જાણીતી અને પ્રતિષ્ઠિત ફાઇવસ્ટાર હોટેલ 'મેરિયટ' (Marriott) માં ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ગંભીર ખિલવાડ થતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૯ ઓગસ્ટના રોજ મોડી રાત્રે મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ માટે આવેલા ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝ (Cookies) માંથી લાકડાના અણીદાર અને તીક્ષ્ણ ટુકડા નીકળ્યા હતા.
ફાઇવસ્ટાર હોટેલ મેરિયટમાં ખાણીપીણીમાં બેદરકારી
ગ્રાહકે જેવી કૂકીઝ મોંમાં મૂકી કે તુરંત જ આ અણીદાર લાકડાનો ટુકડો મોંની અંદર વાગ્યો હતો. સદનસીબે ગ્રાહકને સમયસર ખ્યાલ આવી જતાં મોટી શારીરિક ઈજા પહોંચતા રહી ગઈ હતી. ફાઇવસ્ટાર હોટેલની આવી પ્રાથમિક અને ભયાનક બેદરકારી જોઈને સ્થળ પર હાજર ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.ઘટના બાદ ગ્રાહકે આ અંગે હોટેલ મેનેજમેન્ટ સમક્ષ વિરોધ નોંધાવતા મેનેજમેન્ટે મોઢેથી પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, પરંતુ કેમેરા સામે કે લેખિતમાં કોઈ નિવેદન આપવાથી સ્પષ્ટ હાથ ઊંચા કરી દીધા હતા.
