સુરત શહેરમાં ઔદ્યોગિક વિસ્તારોમાં આગની દુર્ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રિયાંશી ડાઈંગ મિલમાં એક ભીષણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે.ડાઈંગ મિલના સેન્ટર મશીનમાં અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં આ આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આખો વિસ્તાર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો 

ફાયર વિભાગ મુજબ, પ્રિયાંશી ડાઈંગ મિલની અંદર આવેલા સેન્ટર મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી.શોર્ટ સર્કિટ બાદ તણખા ઝરવાથી આગે સેન્ટર મશીનને પોતાની ચપેટમાં લીધું હતું અને જોતજોતામાં આગની લપટો એટલી બધી વધી ગઈ કે કંપનીનો પહેલો માળ આખી આગની ચપેટમાં આવી ગયો હતો.મિલની અંદર જ્વલનશીલ સામગ્રી અને કાપડ તથા કેમિકલ સંબંધિત કામગીરી હોવાના કારણે આગે ક્ષણભરમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આખો વિસ્તાર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો હતો.

કામદારો સમયસર બહાર નીકળી ગયા

આ આગની દુર્ઘટના સમયે મિલની અંદર અનેક કામદારો અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં હાજર કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી સમયસર બહાર દોડી આવ્યા હતા.સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત મોરચો સંભાળીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. 

પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ

બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.પરંતુ ત્યાં સુધીમાં આગની આ ભયાનક લપટોમાં ડાઈંગ મિલની અંદર રહેલો કરોડો રૂપિયાનો માલ-સામાન, મશીનરી અને કાપડનો જથ્થો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ચૂક્યો હતો.આગની આ ઘટનાને પગલે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે