સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં આવેલી હોજીવાલા કંપનીની ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચી ગઈ હતી.આ બનાવ અંગે તુરંત જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુલ 10 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી હતી.
ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો
આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાના 60 જેટલા ફાયર જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.ફાયર વિભાગની સઘન જહેમત બાદ ફેક્ટરીના પહેલા અને બીજા માળની આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે.જોકે આ બિલ્ડિંગના ત્રીજા માળે આગ હજુ પણ ચાલુ હોવાથી ત્યાં પાણીનો મારો ચલાવવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે.ફાયરના જવાનો દ્વારા ત્રીજા માળે લાગેલી આગને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
