સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં આવેલા રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ભીષણ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

પાંડેસરામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અચાનક આગ

મળતી વિગતો અનુસાર, પાંડેસરાના રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગી હોવાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ વિકરાળ હોવાથી ફાયરના જવાનોએ ચારેબાજુથી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમોની સતત 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

પ્રોસેસિંગ મશીન અને પ્લાસ્ટિકની પટ્ટી સહિતનો સામાન બળીને ખાખ

આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ એકમમાં રહેલા પ્રોસેસિંગ મશીન, પ્લાસ્ટિકની પટ્ટી તેમજ અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે. હાલ સુધી આ આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ અકબંધ રહ્યું છે, જે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Porbandar: રાણાવાવની 15 વર્ષીય સગીર સાળીને બનેવીએ લગ્નની લાલચ આપી ભગાડી, અંજાર લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ