સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કિશોર (કુમાર) કાનાણી ફરી એકવાર જનહિત અને લોકોના આરોગ્યના મુદ્દે મેદાને આવ્યા છે. ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન, વેચાણ અને તેના પર લગાવવામાં આવતા લેબલના મુદ્દે કિશોર કાનાણીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખ્યો છે. તેમણે રાજ્યમાં ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવાની સાથે આરોગ્ય વિભાગ સમક્ષ 5 મહત્વના સવાલો ઉઠાવ્યા છે.
'ઓપરેશન હેલ્થ'ને આવકાર્યું, રાજ્યવ્યાપી જાગૃતિ લાવવાની કરી માંગ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકોને સમજાવવા માટે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન હેલ્થ' અભિયાનને ધારાસભ્ય કિશોર કાનાણીએ આવકાર્યું છે. આ સાથે જ તેમણે રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચે શું તફાવત છે તે સામાન્ય ગ્રાહકો સરળતાથી સમજી શકે તે માટે રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરી છે, જેથી લોકો છેતરામણીનો ભોગ ન બને.
