સુરત શહેરના રાંદેર-અડાજણ વિસ્તારમાં આવેલા મોરા ભાગળ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને નોમ નિમિત્તે દહીંહાંડી ઉત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તાપી નમસ્તુંભ્યમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં અડાજણ-રાંદેર વિસ્તારની સૌથી મોટી ૪૦ ફૂટ ઊંચી મુખ્ય મટકી બાંધવામાં આવી હતી.
મોરા ભાગળમાં 40 ફૂટ ઊંચી દહીંહાંડી ફોડાઈ
દહીંહાંડી ફોડવા માટે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી વિવિધ ગોવિંદા મંડળો એકત્રિત થયા હતા. માનવ મહેરામણની હાજરી વચ્ચે ગોવિંદાઓએ એકપછી એક માનવ પિરામિડ બનાવીને 40 ફૂટ ઊંચાઈએ બાંધેલી મટકી સુધી પહોંચવા માટે અદ્ભુત અને રોમાંચક કરતબો રજૂ કર્યા હતા, જેને જોઈને ઉપસ્થિત જનમેદની રોમાંચિત થઈ ઉઠી હતી.આ ભવ્ય આયોજનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સુરતની આ પરંપરાગત ઉજવણીના વખાણ કર્યા હતા.
