હીરા અને ટેક્સટાઇલ નગરી સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાર ભાડે આપવાની ના પાડવા જેવી બાબતમાં અદાવત રાખીને એક વેપારી યુવક પર અસામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. મોટા વરાછાના વાસ્તુ સર્કલ પાસેથી પસાર થઈ રહેલા વેપારી યુવક મિરાજ વિરડીયાને રોકીને આરોપી દીપ ડોબરીયા અને તેના બે સાગરીતોએ બેફામ ગાળો ભાંડી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સોએ મિરાજ પર ઢીકાપાટુનો માર મારી ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

મોટા વરાછામાં વેપારી યુવક પર હુમલો 

આ હુમલા બાદ પણ આરોપીઓનો અસંતોષ શમ્યો ન હતો અને તેમણે યુવકને આર્થિક તથા શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો. હુમલાની ઘટના બાદ રાત્રિના સમયે ઉત્રાણ સ્થિત ગજેરા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મિરાજ વિરડીયાના મિત્રની 'કિયા સોનેટ' કારને લક્ષ્ય બનાવવામાં આવી હતી. મોડી રાત્રે એક્ટિવા પર આવેલા એક અજાણ્યા શખ્સે કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

કારને આગ ચાંપી સળગાવી દીધી

કાર સળગાવી દીધા બાદ મુખ્ય આરોપી દીપ ડોબરીયાએ મિરાજ વિરડીયાને વ્હોટ્સએપ કોલ કરીને ધમકાવ્યો હતો કે, "ગાડી સળગી તેમ તું પણ ધ્યાન રાખજે, હવે તને પણ જીવતો નહીં રહેવા દઉં." આ ભયાનક ધમકી બાદ ભોગ બનનાર યુવકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના અંગે ઉત્રાણ પોલીસે ભોગ બનનાર મિરાજ વિરડીયાની ફરિયાદના આધારે દીપ ડોબરીયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવા સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: બેંગકોકની ફ્લાઇટમાંથી આવેલ પેસેન્જર પાસેથી 8.913 કિલો ગાંજો જપ્ત, મુસાફરની ધરપકડ