સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ફાયર વિભાગના જવાનો દ્વારા સાહસ અને માનવતાનું એક અત્યંત ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોટા વરાછા સ્થિત વીઆઈપી સર્કલ પાસે આવેલા 'આસ્થા સ્ક્વેર' (A બિલ્ડિંગ)માં લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જતાં માત્ર 4 દિવસના માસૂમ બાળક સહિત કુલ 4 લોકો ફસાઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું.
બીજા અને ત્રીજા માળની વચ્ચે ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અટકી પડી
મળતી વિગતો અનુસાર, વીઆઈપી સર્કલ પાસે આવેલા આસ્થા સ્ક્વેર A બિલ્ડિંગની લિફ્ટ બીજા અને ત્રીજા માળની વચ્ચે પહોંચી ત્યારે કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અચાનક બંધ થઈ ગઈ હતી. આ સમયે લિફ્ટની અંદર કુલ 4 વ્યક્તિઓ સવાર હતા, જેમાં 3 મહિલાઓ અને માત્ર 04 દિવસની નાની વયના એક નવજાત માસૂમ બાળકનો પણ સમાવેશ થતો હતો.
