સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા જાણીતા 'રિવર વ્યુ હાઈટ્સ' રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટો અકસ્માત ટળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બિલ્ડિંગના 12મા માળે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી, જેને કારણે આખી ઇમારતમાં અફરાતફરી મચી ગઈ હતી.

મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવાસસ્થાન આવેલું છે આ જ બિલ્ડિંગમાં

આ અકસ્માતને લઈને ખાસ વાત એ છે કે, જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે જ બિલ્ડિંગના પહેલા માળે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવાસસ્થાન આવેલું છે. આગની ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ફાયર વિભાગની 15 થી 17 ગાડીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર બ્રિગેડની 15 થી 17 ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવીને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોની વ્હારે પહોંચ્યા હતા.

Surat News: Massive Fire Breaks Out on 12th Floor of River View Heights

100 વર્ષીય વૃદ્ધા સહિત 8 લોકોનો બચાવ

ફાયર વિભાગની સતર્કતા અને સમયસૂચકતાના કારણે 100 વર્ષના માજી સહિત બંને ફ્લેટમાં ફસાયેલા કુલ 8 લોકોને હેમખેમ બહાર કાઢીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને ફાયર ટીમે આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે ફ્લેટની ઘરવખરી બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.


આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?