સુરતના બહુચર્ચિત 'નક્ષત્ર સેફ વોલ્ટ' કૌભાંડમાં દિન-પ્રતિદિન નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન વધુ ત્રણ વ્યક્તિઓના કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાની હકીકત સામે આવી છે. પીડિત ગ્રાહકોના આક્ષેપ મુજબ, વોલ્ટમાંથી અંદાજે રૂ. 78 લાખની મત્તાના દાગીના ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ નવા ખુલાસાને પગલે સેફ વોલ્ટમાં વિશ્વાસ રાખીને કિંમતી સામાન મુકનાર અન્ય ગ્રાહકોમાં પણ ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ
નક્ષત્ર સેફ હાઉસ ચોરી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવતા ચોરીનું સોનું ખરીદનાર બે સોની વેપારી કૌશલ સુપેડા અને મિતેશ પારેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બે સોનીઓની અટકાયત સાથે જ આ ચર્ચાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે.
