સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા એસએમસીના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈપાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઘટનામાં આજે ત્રણ નવા વળાંક આવ્યા છે. જેમાં એક વીડિયો વાયરલ થયો છે અને જમીનના માલિકના ઘર નજીક ધારાસભ્યના બોર્ડ વાળી ફોરચ્યુનર કાર જોવા મળી છે.
ઘરની બહાર પાર્ક કરેલી આ ગાડીમાં કોણ આવ્યુ
સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે વધુ એક બાબત સામે આવી છે. જેમાં જમીન માલિક ગુલુબેનના ઘર નજીક એક ફોરચ્યુનર કાર જોવા મળી છે. આ કારમાં લાલ કલરનું MLA લખેલું બોર્ડ જોવા મળ્યું છે. આ કાર કોની છે તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે. લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે જમીનના માલિક ગુલુબેનના ઘરની બહાર પાર્ક કરેલી આ ગાડીમાં કોણ આવ્યુ હતું. આ ગાડી કયા ધારાસભ્યની છે તે સૌથી મોટો સવાલ છે.
વૃદ્ધાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ
બીજી તરફ આ ઘટનામાં એક વૃદ્ધાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિલ્ડર સંજય લાખાણી મહિલાના ઘરમાં ગયા બાદ આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ કથિત વીડિયોમાં વૃદ્ધાએ એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, પાલિકાએ જમીનનો કબજો લેવા માટે આ ડિમોલિશન કર્યું છે. આખા ઘરમાં આ વૃદ્ધા એકલા જ રહે છે. તે વિરોધ કરનારાઓની વિરૂદ્ધમાં અલગ અલગ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે. તે વીડિયોમાં એવું કહે છે કે, સુરત જિલ્લાના બ્રિજ પાસે અમારી જમીન છે. અમે અમારી જમીન સ્કૂલ બનાવવા કોર્પોરેશનને દાનમાં આપી હતી.
વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારૂ છે
વાયરલ થયેલા કથિત વીડિયોમાં વૃદ્ધા એવું પણ કહે છે કે, હાલમાં જે ઓહાપોહ ચાલી રહ્યો છે તેમાં સમાજના કહેવાતા આગેવાનો પોતાની રોટલી શેકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારૂ છે. વાયરલ થયેલા વીડિયોમાં પણ ઘણા રીટેક લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આ વીડિયો બળજબરીથી બનાવ્યો હોવાની શંકા સ્પષ્ટ દેખાઈ રહી છે. બિલ્ડર ઘરમાં ગયા બાદ વૃદ્ધાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દેવાયો હતો. આસપાસના લોકોએ સંપર્ક કરતાં વૃદ્ધાનો ફોન બંધ આવતો હતો.
આ પણ વાંચોઃ Surat News: ભૂતિયા ડિમોલિશનનો ખેલ કયા અધિકારીએ કર્યો?, બિલ્ડર વૃદ્ધાના ઘરમાં ગયા બાદ એક વીડિયો વાયરલ