સુરત શહેરમાં ચોમાસાની ઋતુ જામતાંની સાથે જ વાહકજન્ય અને જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. હાલમાં સુરત શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રક્ત અને પ્લેટલેટ્સની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેના પરિણામે હોસ્પિટલના બ્લડ બેંકમાં બ્લડની તીવ્ર અછત સર્જાઈ છે.
જરૂરિયાત સામે રક્તનો પુરવઠો ઘટ્યો
નવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દર મહિને સરેરાશ 2000 બ્લડ બોટલની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ હાલમાં રોગચાળાના કારણે વધેલી માંગ સામે માત્ર 1400 થી 1600 બોટલ બ્લડ જ ઉપલબ્ધ થઈ રહ્યું છે. દર મહિને આશરે 400 થી 600 બોટલની અછત ઊભી થતાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળના દર્દીઓ, એક્સિડન્ટના કેસો અને થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે.

નવી સિવિલના તબીબો અને સ્ટાફે શરૂ કર્યો કેમ્પ
રક્તની આ ગંભીર અછતને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા સ્વયંભૂ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તબીબો અને હોસ્પિટલ સ્ટાફે પોતે રક્તદાન કરીને સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય લોકોને પણ આગળ આવીને રક્તદાન કરવા પ્રેરણા આપી છે.

ગણેશ મંડળોને 9 દિવસ કેમ્પ યોજવા અપીલ
આગામી સમયમાં આવી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર મારફતે શહેરના તમામ ગણેશ ઉત્સવ મંડળોને એક વિશેષ વિનંતી કરવામાં આવી છે. હોસ્પિટલ સત્તાધીશોએ અપીલ કરી છે કે, ગણેશોત્સવના 9 દિવસ દરમિયાન દરેક મંડળ પોતાના પંડાલોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે. જો ગણેશ મંડળો અને યુવાનો આગળ આવશે, તો રક્તની સર્જાયેલી આ અછતને ઝડપથી પૂરી કરી શકાશે અને અનેક દર્દીઓનો કિંમતી જીવ બચાવી શકાશે.

આ પણ વાંચો: Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!