સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સુરતના પનાસગામ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 મહિનાની માસૂમ બાળકી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન જમીન પર પડેલી કાનની એક નાની બુટ્ટી બાળકીએ અજાણતામાં મોઢામાં મૂકી દીધી હતી અને ગળી ગઈ હતી. બુટ્ટી પેટમાં જવાના બદલે બાળકીની અત્યંત સંવેદનશીલ એવી અન્નનળીની વચ્ચે ફસાઈ ગઈ હતી. બાળકી અચાનક રડવા લાગતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવારજનો તેને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ખાનગી તબીબોએ આ જટિલ ઓપરેશન માટે આશરે 60 હજાર રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવતા આર્થિક રીતે નબળો પરિવાર લાચાર બની ગયો હતો.
સુરત સિવિલના ડોક્ટરોની ભગીરથ કામગીરી
પરિવારજનો આશા ગુમાવ્યા વિના બાળકીને તાકીદે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે લાવ્યા હતા. કેસની ગંભીરતા અને બાળકીની નાજુક ઉંમર જોતાં ઇ.એન.ટી. (ENT) વિભાગના હેડ અને તેમની એક્સપર્ટ ટીમ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી. બાળકીના ગળાના એક્સ-રે રિપોર્ટમાં અન્નનળીના ઉપરના ભાગમાં બુટ્ટી ફસાયેલી હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. ૧૧ માસની બાળકીના ગળા પર કોઈ ઓપરેશન કે કાપકૂપ કરવી અત્યંત જોખમી હતી. આથી, તબીબોએ એનેસ્થેસિયા આપીને આધુનિક દૂરબીન (એન્ડોસ્કોપી) ટેકનિકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.
