સુરત શહેરના રાંદેરમાં રમતા રમતા એક માસૂમ બાળક અચાનક એલ્યુમિનિયમની મોટી ડેગમાં ફસાઈ ગયો હતો.અઢી વર્ષનું નાનું બાળક ઘરમાં રમી રહ્યું હતું તે દરમિયાન અકસ્માતે તેનું માથું એલ્યુમિનિયમની ડેગની અંદર જતું રહ્યું હતું અને ત્યારબાદ તે બહાર નીકળી શક્યું ન હતું.બાળકનું માથું મજબૂત ધાતુની ડેગમાં એવી રીતે ફસાઈ ગયું કે પરિવારના તમામ પ્રયાસો છતાં તે બહાર ન નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી અને આશરે ચાર કલાક સુધી સતત બાળકનું માથું ડેગમાં જ ફસાયેલું રહ્યું હતું.
આખરે બાળકને હેમખેમ બહાર કાઢી લીધો
પરિસ્થિતિની ગંભીરતાને જોઈને સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે અત્યંત ધીરજ અને સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.બાળકના માથાને સહેજ પણ ઈજા ન પહોંચે તે બાબત ધ્યાને રાખીને ફાયર જવાનોએ કટરની મદદ લીધી હતી. કટર વડે મજબૂત એલ્યુમિનિયમની ડેગને ખૂબ જ કાળજીપૂર્વક અને ચોકસાઈથી કાપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.ફાયર ટીમે દરેક ક્ષણે બાળકનું ધ્યાન રાખીને ડેગને ધીમે-ધીમે કાપીને આખરે બાળકને હેમખેમ બહાર કાઢી લીધો હતો.
