સુરતમાં ઓલપાડ વિધાનસભા વિસ્તારના સાયણ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી તથા વર્તમાન ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે મંચ પરથી કરેલા નિવેદનને પગલે ભારે ચર્ચા જાગી છે.ઓલપાડ ભાજપ સંગઠનમાં જૂથવાદ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આ જૂથવાદની ચર્ચા વચ્ચે ધારાસભ્ય મુકેશ પટેલે જાહેરમાં પોતાની ગંભીર નારાજગી વ્યક્ત કરીને આગેવાનોને ચોંકાવી દીધા હતા.સ્નેહમિલન સમારોહના મંચ પરથી ધારાસભ્યએ પોતાના વિરોધીઓ પર સીધું નિશાન સાધ્યું હતું.
મુકેશ પટેલે પક્ષના આંતરિક વિરોધ અંગે મોટો ઘટસ્ફોટ પણ કર્યો
તેમણે જણાવ્યું હતું કે,ચાર વર્ષ સુધી મુકેશ પટેલ સારો લાગ્યો અને હવે સારો નથી લાગતો.આ નિવેદનથી ઓલપાડ ભાજપમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી ગઈ છે.આ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલે પક્ષના આંતરિક વિરોધ અંગે મોટો ઘટસ્ફોટ પણ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,સંગઠનમાં બ્રિજેશ પટેલને કારોબારી અધ્યક્ષ ન બનવા દેવા માટે ખાસ ચિઠ્ઠી લખવામાં આવી હતી.આ ચિઠ્ઠી લખાઈ હોવાનો સીધો ઉલ્લેખ કરીને તેમણે પાર્ટીના વિરોધીઓની નીતિ સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો.ધારાસભ્યએ આ નિવેદન દ્વારા સંદેશ આપ્યો હતો કે પક્ષમાં જાણીજોઈને વિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. પક્ષની અંદર જ વિરોધની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
