સુરત સહિત દેશભરમાં જાણીતી એવી લક્ષ્મીપતિ મિલના પાંડેસરા જીઆઈડીસી (GIDC) સ્થિત કારખાનામાં કામદારો દ્વારા અચાનક હડતાલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ કામદારો માટે રવિવારની રજા અનિવાર્ય કરતી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ કારખાનાના સંચાલકો દ્વારા સરકારના નિયમોનું પાલન કરવામાં ન આવતું હોવાના આક્ષેપ સાથે કામદારો રજાથી વંચિત રહ્યા છે, જેના કારણે આ વિવાદ ઉભો થયો છે.
પોલીસ તંત્રની સમયસૂચકતા, મામલો થાળે પાડ્યો
કારખાનામાં કામદારો ઉગ્ર બને અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રોષે ભરાયેલા કામદારો અને મિલ સંચાલકો સાથે વાતચીત કરી હતી. પોલીસે સમજાવટના અંતે મામલો થાળે પાડ્યો હતો અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

