સુરત શહેરમાં અસામાજિક અને બેદરકાર મિલ માલિકો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ ઉધના વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટના સામે આવ્યા બાદ, હવે પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરસાદી પાણીની આડમાં મિલોમાંથી પ્રોસેસ કર્યા વગરનું અત્યંત ઝેરી અને કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવી રહ્યું છે.
ડ્રેનેજમાંથી જાણે લાવા નીકળતો હોય તેવો ઘાટો લાલ રંગ
પાંડેસરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાંથી વહી રહેલું પાણી જોઈને સ્થાનિકો પણ દંગ રહી ગયા હતા. ડ્રેનેજ લાઈનમાંથી એટલા ઘાટા લાલ રંગનું પાણી નીકળી રહ્યું હતું કે, જાણે જ્વાળામુખીમાંથી લાલચટક દ્રવ્ય કે લાવા બહાર નીકળી રહ્યો હોય તેવો ભાસ થતો હતો. મિલો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર વરસાદનો ફાયદો ઉઠાવીને આ રીતે ઝેરી કેમિકલ છોડીને વિસ્તારના પર્યાવરણ અને જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે.
