સુરતમાં નશામાં ધૂત થઈને બેફામ વાહન હંકારી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના વ્યસ્ત ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં કથિત રીતે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે નિર્દોષ બાઇકસવારને જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇકસવાર રોડ પર પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે માનવતા દાખવી ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાને બદલે ઘટનાસ્થળેથી કાર ભગાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસના સ્થાનિકો અને રાહદારીઓએ પીછો કરીને કારચાલકને આંતરી લીધો હતો અને કારના કાચ તોડીને પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
બાઇકને ફંગોળી કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો
પર્વત પાટિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી આગળ જઈ રહેલા બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. ધડાકા સાથે બાઇકસવાર રોડ પર પટકાતાં તેને હાથ-પગ અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કારચાલક અતિશય નશાની હાલતમાં હતો અને ભાન ભૂલેલી સ્થિતિમાં વાહન હંકારી રહ્યો હતો.અકસ્માત સર્જાયા બાદ ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગળ ટ્રાફિક અને સતર્ક લોકોએ સમયસૂચકતા વાપરી કારને ચોમેરથી ઘેરી લીધી હતી. અકસ્માત કરી ભાગવાનો પ્રયાસ કરનારા કારચાલકની આવી બેદરકારી જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થર અને લાકડીઓ વડે કારના કાચ ફોડી નાખી ભારે તોડફોડ મચાવી હતી.
