દિવાળી અને છઠ્ઠપૂજા પહેલાં આશરે વતન પહોંચી જાય તેના માટે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઝારખંડ તરફ ઉત્સવ સ્પેશિયલ અને નિયમિત ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. જેનાથી 10 દિવસમાં અંદાજે 1.85 લાખ મુસાફરો સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી ગયા છે.29 ઓક્ટોબર 2026થી 7 નવેમ્બર 2026 સુધીના સમયગાળા દરમિયાન કુલ 28 નિયમિત ટ્રેનો અને 33 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે.આ તમામ ટ્રેનોમાં મુસાફરી કરનાર પ્રવાસીઓની કુલ સંખ્યા 1,85,763 પર પહોંચી છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પ્રવાસીઓની સંખ્યા વધી
દિવાળી અને ખાસ કરીને છઠ્ઠપૂજાના મહાપર્વને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પ્રવાસીઓની સંખ્યામાં અણધાર્યો વધારો નોંધાયો છે.સુરત અને ઉધના સ્ટેશન પર વધતી ભીડને કાબૂમાં લેવા અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે રેલવે પ્રશાસન,રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પ્લેટફોર્મ પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ કંટ્રોલ રૂમ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
