ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા દરમિયાન સર્જાયેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે સુરતના યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના અલથાણ વિસ્તારમાંથી 14 લોકોનું એક ગ્રુપ કેદારનાથ દર્શન અર્થે ગયું હતું. કેદારનાથમાં અચાનક શરુ થયેલા મુસળધાર વરસાદને કારણે આ સમગ્ર ગ્રુપ ત્યાં જ ફસાઈ ગયું છે.

કેદારનાથમાં આફતનો વરસાદ

ફસાયેલા 14 યાત્રાળુઓ પૈકી અલથાણના રંજનબેન પંચાલે કેદારનાથથી એક કરુણ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે રડતાં-રડતાં ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઉત્તરાખંડનું સ્થાનિક પ્રશાસન તેમને કોઈ યોગ્ય જવાબ કે મદદ આપી રહ્યું નથી. રંજનબેને અપીલ કરી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢવાની વ્યવસ્થા કરે.

રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર પાસે મદદ માંગી

મળતી માહિતી મુજબ, 14 લોકોના આ ગ્રુપમાંથી 3 લોકોનું હેલિકોપ્ટર મારફતે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. જોકે, ખરાબ હવામાન અને વરસાદના કારણે બાકીના 11 લોકો હજુ પણ ત્યાં જ ફસાયેલા છે. પરિવારજનો અને ફસાયેલા લોકો દ્વારા ગુજરાત સરકારના આપાતકાલીન તંત્રને તાત્કાલિક મદદ પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: નિરમા યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ, 3 બસ ભરીને 30 થી વધુ કાર્યકરોની અટકાયત!