સુરત મહાનગર પાલિકા માટે માથાનો દુખાવો બનેલા નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં પાલિકા પાસે અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપી શકાય તેવી કોઈ પોલિસી નથી તેવી દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી.જેને શાસકોએ સાભ રાખતા શાસકોનું વલણ સ્પષ્ટ થઈ ગયું છે.હવે આગામી સુનાવણી દરમિયાન.વહીવટી તંત્રની સ્પષ્ટતા અને શાસકોની સંમતિ બંને હવે કોર્ટ સમક્ષ મહત્વના મુદ્દા બની રહે એવી પ્રબળ શક્યતા છે.જોકે આ પહેલા ઔપચારિકતા માટે દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરાશે.

વૈકલ્પિક આવાસ મુદ્દે વારંવાર તાકીદ

વિવાદિત નાસીરનગરના ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે ત્યારે કોર્ટ દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ મુદ્દે વારંવાર તાકીદ કરવામાં આવી છે. અગાઉ મનપાએ કરેલી એફિડેવિટ અને અન સુનાવણી દરમિયાન વૈકલ્પિક આવાસ ફાળવવા અંગે કોઈ પોલિસી ન હોવાનું કરવામાં આવેલી સ્પષ્ટતાને હાઈ કોર્ટે ગંભીરતાથી લીધી હતી અને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા અંગેની ચોક્કસ નીતિ રજૂ કરવાની તાકીદ સાથે મનપા કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ પણ કર્યો હતો.

દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી

સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે ટીપી રોડ કે જાહેર રસ્તા પર દબાણ કરનારની મિલકત દૂર કરવામાં આવે ત્યારે વૈકલ્પિક આવાસ ફાળવવાની કોઈ નીતિ અમલી ન હોવાની સ્પષ્ટતા સાથે મનપાના વહીવટી તંત્ર દ્વારા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી તેમજ નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા પણ જણાવાયું હતું.ચર્ચા બાદ આવી કોઈ નીતિ અમલી ન હોવાની વહીવટી તંત્રની રજૂઆતની નોંધ લઈ દરખાસ્તને મંજૂરી આપી છે.

જાહેર રસ્તા પર દબાણ કરનારાની મિલકત દૂર કરવામાં આવે

દરખાસ્તમાં જણાવ્યા મુજબ ડિમોલિશન જે જગ્યા પર કરવામાં આવ્યું છે તે જગ્યા 13 જૂન 1980ની સ્થાયી સમિતિના ઠરાવ નંબર 346/1980 મુજબ 40 ફૂટની લાઇનદોરી મૂકવામાં આવી હતી.આ લાઇનદોરીવાળી જમીનનો કબજો મૂળ માલિક દ્વારા માર્ચ પહેલા સુરત મનપાને સોંપી દેવામાં આવ્યો હતો.તે સમયે આ જગ્યા ખુલ્લી હતી અને મનપાને મળેલી લાઇનદોરી પૈકીની જાહેર રસ્તાની ખુલ્લી જગ્યા પર પાછળથી બિનઅધિકૃત બાંધકામો થયા હોવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેની સાથે જ ટીપી રોડ કે જાહેર રસ્તા પર દબાણ કરનારાની મિલકત દૂર કરવામાં આવે ત્યારે વૈકલ્પિક આવાસ ફાળવવાની કોઈ નીતિ અમલી ન હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ફટાકડાના ધુમાડાથી શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું, AQI 200ને પાર પહોંચી ગયો