રાજકોટમાં આજે NEET PG પરીક્ષા દરમિયાન પ્રવેશ મુદ્દે ભારે દોડધામ સર્જાઈ હતી. પરીક્ષા પ્રવેશનો સમય પૂર્ણ થવાના સમયે ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી અને તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

રાજકોટમાં 2 કેન્દ્રો પર પરીક્ષા

રાજકોટ શહેરમાં કુલ 2 કેન્દ્રો પર NEET PG પરીક્ષા લેવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં આશરે 5 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપવા માટે અંદાજે 1200 પરીક્ષાર્થીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

Rajkot NEET PG Exam Entry Issue, Student Allowed Later

ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામ

પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશના અંતિમ સમયે કેટલાક વિદ્યાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે દોડધામ કરવી પડી હતી. સમય ઓછો હોવાથી પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીનીને પ્રવેશ ન મળતા માતા રડી પડી

પરીક્ષા કેન્દ્રની બહાર એક વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ ન મળતા પરિવારજનોમાં ચિંતા વધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા માતા બેભાન થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.

Rajkot NEET PG Exam Entry Issue, Student Allowed Later

પહેલા રિજેક્ટ, બાદમાં પ્રવેશ અપાયો

પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીનીને શરૂઆતમાં પ્રવેશ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફરીથી બોલાવવામાં આવી અને અંતે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ મળ્યા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓની ભીડ

આ સમગ્ર ઘટનાને પગલે પરીક્ષા કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા. પ્રવેશ પ્રક્રિયાને લઈને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષા હોવાથી છેલ્લી ઘડીએ સર્જાયેલી આવી સ્થિતિએ પરિવારજનોની ચિંતા વધારી હતી.   


આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video