સુરતમાં વરસાદી વિરામ વચ્ચે પાલિકાના બ્રિજોની ગુણવત્તા પર મોટા સવાલો ઊભા થયા છે. સુરતના અત્યંત ધમધમતા એવા સહારા દરવાજાથી પર્વત પાટીયા તરફ જતા બ્રિજ પર ચોમાસાના પાણીના કારણે રોડનું સરફેસિંગ સાવ ધોવાઈ ગયું છે.
સુરતમાં બ્રિજ પર ઠેર-ઠેર ખાડાઓ
બ્રિજ પર ઠેર-ઠેર પડેલા ઊંડા ખાડાઓને કારણે વાહનો ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ બ્રિજ પરથી પસાર થવું એટલે જીવ હથેળીમાં મૂકીને વાહન ચલાવવા સમાન બન્યું છે. દૈનિક હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર ખાડાના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
વરસાદ બાદ બ્રિજ બિસ્માર દ્રશ્યો
સહારા દરવાજા બ્રિજ પરથી ડામરનું સ્તર સાવ ઉખડી જતાં નીચેથી લોખંડના સળિયા અને કોંક્રિટનું માળખું બહાર આવી ગયું છે. બ્રિજનું સ્ટ્રક્ચર જર્જરિત થઈ ગયું હોય અને માત્ર 'હાડપિંજર' બાકી રહ્યું હોય તેવા દ્રશ્યો સીધા કેમેરામાં કેદ થયા છે. માત્ર આ એક જ નહીં, પરંતુ સુરત શહેરના અન્ય કેટલાક મુખ્ય બ્રિજો પર પણ ચોમાસા બાદ આવા જ બિસ્માર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
લોકોમાં ભારે નારાજગી જોવા મળી
સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા બ્રિજો એક જ ચોમાસામાં આટલી હદે બિસ્માર થઈ જતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોંઘાદાટ ટેક્સ ભરતા સુરતવાસીઓ માગ કરી રહ્યા છે કે પાલિકા માત્ર થીગડાં મારવાને બદલે ટેકનિકલ ચકાસણી કરીને તમામ બ્રિજોનું ગુણવત્તાસભર અને કાયમી રિપેરિંગ કામ તુરંત શરૂ કરે જેથી કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થતાં અટકાવી શકાય.
આ પણ વાંચો: Porbandar: સૌરાષ્ટ્રના બીજા નંબરના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓ તેજ, મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ