સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારીઓ અને જોબવર્ક કરતા એકમો સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં સારોલીમાં થયેલી કરોડોની ઠગાઈ બાદ હવે શહેરના મુખ્ય ટેક્સટાઇલ વિસ્તાર ગણાતા સલાબતપુરામાંથી વધુ એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં શાતિર ગઠિયાઓએ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરતા ૮ જેટલા વેપારીઓને વિશ્વાસમાં લઈ રૂપિયા 1.09 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરી છે.

મોટા ઓર્ડરની લાલચ આપી જાળમાં ફસાવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ એમ્બ્રોઇડરી માર્કેટમાં સક્રિય અલગ-અલગ 8 વેપારીઓનો સંપર્ક સાધ્યો હતો. આરોપીઓએ પોતાની મોટી પેઢી હોવાનું જણાવી બજાર કરતાં મોટા પાયે જોબવર્ક આપવાની લાલચ આપી હતી.વેપારીઓને જાળમાં ફસાવવા માટે શરત નક્કી કરવામાં આવી હતી કે, માલ તૈયાર થયાના ૩૦ થી ૩૫ દિવસની નિયત ક્રેડિટ (ઉધારી) મુદતમાં તમામ પેમેન્ટ ચૂકતે કરી દેવામાં આવશે. મોટા ઓર્ડરની આશામાં ભોગ બનનાર વેપારીઓએ દિવસ-રાત મશીનો ચલાવી લાખો રૂપિયાનું એમ્બ્રોઇડરી કામ કરી માલની ડિલિવરી આપી દીધી હતી.

પેમેન્ટ ટાણે મોબાઈલ સ્વિચ ઓફ કરી રફૂચક્કર

જ્યારે ૩૫ દિવસની મુદત પૂરી થઈ અને વેપારીઓએ મહેનતાણાના નાણાંની ઉઘરાણી શરૂ કરી, ત્યારે શરૂઆતમાં આરોપીઓએ વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો. અંતે, અંદાજે રૂપિયા 1,09,00,000 (એક કરોડ નવ લાખ) જેટલી માતબર રકમ ચૂકવ્યા વિના જ આરોપીઓએ પોતાની ઓફિસો વધાવી લીધી હતી અને તમામ મોબાઈલ ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.સંપર્ક કરવાના તમામ રસ્તા બંધ થઈ જતાં આખરે ભોગ બનનાર તમામ 8 વેપારીઓ એકઠા થઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. આ મામલે વેપારીઓની સંયુક્ત ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે ફરાર ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ખાણીપીણીના શોખીનો સાવધાન; ફૂડ વિભાગે 78 હોટલ-રેસ્ટોરન્ટ ફેંદી મારી, 69 કિલો સડેલો ખોરાક ગટરમાં પધરાવ્યો