સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાંથી વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ થયો છે. કાપડના એક વેપારી સાથે વ્યવસ્થિત પૂર્વઆયોજિત કાવતરું રચીને રૂપિયા 1.24 કરોડથી વધુની માતબર રકમનું કાપડ ઓળવી જઈ ઠગાઈ આચરનાર બે આરોપીઓને સારોલી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે.

વિશ્વાસ જીતવા પહેલાં નાની રકમનું પેમેન્ટ સમયસર આપ્યું

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી લલિતકિશન સાઢ અને રામશરણ યાદવે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને ફસાવવા માટે એક જાણીતી પરંતુ ખતરનાક તરકીબ અજમાવી હતી.શરૂઆતમાં આરોપીઓ ભોગ બનનાર વેપારી પાસેથી નાના પાયે કાપડનો જથ્થો ખરીદતા હતા અને તેનું પેમેન્ટ નિયત સમયમર્યાદામાં રોકડેથી કે બેંક મારફતે ચૂકવી આપતા હતા.

આરોપીઓએ વેપારીનો અતૂટ વિશ્વાસ જીતી લીધો

સતત સમયસર ચુકવણી કરીને આરોપીઓએ વેપારીનો અતૂટ વિશ્વાસ જીતી લીધો હતો, જેથી વેપારી તેમના પર કોઈપણ શંકા રાખ્યા વગર મોટો માલ ઉધાર આપવા તૈયાર થઈ જાય. પૂરતો વિશ્વાસ બંધાઈ ગયા બાદ આરોપીઓએ એકસાથે રૂપિયા 1,24,00,000 (એક કરોડ ચોવીસ લાખ)થી વધુની કિંમતનો કાપડનો જથ્થો ઉધાર ખરીદ્યો હતો. માલની ડિલિવરી મેળવી લીધા બાદ તેઓએ નક્કી કરેલા સમયે પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને દુકાનો વધાવી તેમજ મોબાઈલ સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા.

સારોલી પોલીસે આરોપીઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા

સમય વીતી જવા છતાં રૂપિયા ન મળતાં અને ખરીદદારો ગાયબ થઈ જતાં વેપારીને પોતાની સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. વેપારીની ફરિયાદના આધારે સારોલી પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન શોધખોળ હાથ ધરી હતી.પોલીસે ગણતરીના સમયમાં છટકું ગોઠવીને મુખ્ય બંને આરોપીઓ લલિતકિશન સાઢ અને રામશરણ યાદવને દબોચી લીધા છે. આ બંને ગઠિયાઓએ અગાઉ અન્ય કોઈ વેપારીઓ સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ તેમજ ઉઠાવેલો કાપડનો જથ્થો ક્યાં સગેવગે કર્યો છે તે દિશામાં સારોલી પોલીસે રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gir Somnath: ભાવનગર હાઈવે પર પથ્થર ભરેલા ટ્રેક્ટરમાં બોલેરો ધડાકાભેર ઘૂસી, ગોંડલના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત!