કુદરતી આફત ક્યારેય કોઈનો ભેદભાવ રાખતી નથી, તેનો જીવતો-જાગતો દાખલો સુરતમાં જોવા મળ્યો છે. સુરત શહેરમાં ખાડીપૂરના પાણીએ હજારો સોસાયટીઓ અને લાખો લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ કપરા સમયે લોકોને પૂરના પાણીમાંથી હેમખેમ બહાર કાઢવા અને ફૂડ પેકેટો પહોંચાડવા માટે સુરત મનપાનું ફાયર વિભાગ સતત કાર્યરત હતું. પરંતુ, આ બચાવ કામગીરીની વ્યસ્તતા વચ્ચે તંત્રને એ વાતની ભનક પણ ન રહી કે તેમનું પોતાનું જ સરથાણા ફાયર સ્ટેશન પૂરના પાણીમાં આખેઆખું ગરકાવ થઈ ચૂક્યું છે.

રથાણા ફાયર સ્ટેશન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા

સરથાણા ફાયર સ્ટેશન નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અને ખાડીપૂરના પાણીનો ત્વરિત ભરાવો થતાં, જોતજોતામાં સ્ટેશનમાં 6 થી 7 ફૂટ સુધી પૂરના પાણી ફરી વળ્યા હતા. આ ભયાનક પૂરના કારણે કમ્પાઉન્ડમાં પડેલા ફાયર બ્રિગેડના જ 10 થી 15 ભારે કોમર્શિયલ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સૌથી મોટી આફત તો ત્યારે આવી જ્યારે સ્ટેશનની જીવાદોરી સમાન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાવાને કારણે અતિ મહત્વના સરકારી દસ્તાવેજો, એન્ટ્રી રજિસ્ટરો અને ઓફિસ ફાઇલો સંપૂર્ણપણે પાણીમાં પલળી ગઈ હતી.

કિંમતી કાગળો પલળી ગયેલા

જ્યારે પૂરના પાણી ઓસર્યા અને જવાનો સ્ટેશને પરત ફર્યા ત્યારે કંટ્રોલરૂમનો નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા. કાગળોનો કાદવ થઈ ગયો હતો. કિંમતી કાગળો અને વર્ષો જૂના સરકારી રેકોર્ડને બચાવવા માટે હવે ફાયર ફાઇટર્સના જવાનોએ એક અનોખી મથામણ શરૂ કરી છે. સ્ટેશનના ધાબા પર, ગાડીઓના બોનેટ પર અને ખુલ્લા મેદાનમાં પલળી ગયેલા તમામ દસ્તાવેજો અને ચોપડાઓને એક-એક પાનું ખોલીને તડકામાં સૂકવીને બચાવવાના લોઢાના ચણા ચાવવા જેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાની સરકારી મિલકત ડૂબી ગઈ હોવા છતાં, કોઈ જ અફસોસ વગર ફરજને પ્રથમ પ્રાધાન્ય આપનારા ફાયર જવાનોની કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો: Ankleshwar: દહેજના લોભીઓએ પરણીતાને મરવા મજબૂર કરી, આપઘાત મામલે 5 સાસરિયાઓની ધરપકડ