સુરતમાં આવેલી આશાદીપ શાળા હાલમાં એક ગંભીર વિવાદમાં સપડાઈ છે. શાળા પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે વિદ્યાર્થીઓને બાઈક લઈને એક રેલીમાં મોકલ્યા હતા, જ્યાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. આ ઘટનાએ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જગાવ્યો છે.
વિદ્યાર્થીઓ બેફામ બાઇક ચલાવતા જોવા મળ્યા
મળતી જાણકારી અનુસાર, રેલી દરમિયાન વિદ્યાર્થીઓ બેફામ બાઈક ચલાવતા જોવા મળ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, એકપણ વિદ્યાર્થી દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યું નહોતું. સગીર વયના વિદ્યાર્થીઓ મોપેડ અને બાઈક લઈને રેલીમાં પહોંચ્યા હતા જે ટ્રાફિક નિયમોનું સ્પસ્ટ ઉલ્લંઘન છે. શાળાઓનું કાર્ય વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ આપવાનું જ નહીં પરંતુ તેમને નાગરિક તરીકે જવાબદાર બનાવવાનું પણ છે. આવા સમયે, આશાદીપ શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેલ્મેટ વિના અને બેફામ રીતે વાહન ચલાવવા પ્રોત્સાહન આપવું એ અત્યંત બેદરકારીભર્યું અને જોખમી કૃત્ય છે.
ટ્રાફિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહીની માંગ
આ ઘટના બાદ, ટ્રાફિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા આશાદીપ શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શાળા સંચાલકોએ આ પ્રકારની બેદરકારી બદલ જવાબદાર ઠેરવી ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે અને તેને કોઈ પણ ભોગે અવગણી શકાય નહીં. આવી બેદરકારીભર્યા કૃત્યથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે અને સમાજમાં ખોટો સંદેશ જાય છે.