સુરત શહેરમાં ગુનેગારો સામે પોલીસે કડક વલણ અપનાવીને 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' તે સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરમાં એક જ દિવસમાં (20 નવેમ્બર) પોલીસ ફાયરિંગની બીજી મોટી ઘટના નોંધાઈ છે. વહેલી સવારે લીંબાયત પોલીસે લૂંટના આરોપી પર ફાયરિંગ કર્યા બાદ હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ આ જ સિરિયલ લૂંટ કેસના અન્ય એક આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ યાદવ ઉપર સ્વબચાવમાં ફાયરિંગ કર્યું છે. આરોપીના જમણા પગમાં ગોળી વાગતાં તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે PSIની રિવોલ્વર ખેંચી ભાગવાનો પ્રયાસ કર્યો

મળતી વિગતો અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલા લૂંટના આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ યાદવને ક્રાઈમ બ્રાન્ચ કચેરીથી મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે ક્રાઈમ બ્રાન્ચની PCR વેનના ટાયરમાં હવા ઓછી જણાતા ડ્રાઇવર અને એક કોન્સ્ટેબલ ટાયર ચેક કરવા માટે નીચે ઉતર્યા હતા.

 ગુડ્ડુ યાદવે પોલીસ સાથે ઝપાઝપી કરી

આ તકનો લાભ લઈને ગાડીમાં બેઠેલા આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ યાદવે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને ગાડીમાં હાજર ક્રાઈમ બ્રાન્ચના PSI શૈલેષ દુબેની રિવોલ્વર ખેંચીને પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી હથિયાર લઈને ભાગવા જતાં PSI શૈલેષ દુબેએ સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું.

જમણા પગના ઘૂંટણ નીચેના ભાગે વાગી ગોળી, બંને સાગરીતો પર ફાયરિંગ

પોલીસ ફાયરિંગમાં આરોપી લક્ષ્મણ યાદવના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તેને 5 થી 6 એમએમ જેટલી ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે નિર્દોષ રાહદારીઓ પર સામાન્ય લૂંટ માટે ચપ્પુ વડે હુમલો કરનાર આ બંને વિકૃત લૂંટારાઓ પર એક જ દિવસમાં પોલીસે ફાયરિંગ કર્યું છે. અગાઉ વહેલી સવારે આ જ ગુનાના અન્ય એક સાગરીત પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો કરતા લીંબાયત પોલીસે તેના પગમાં ગોળી મારી હતી અને ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તેના સાગરીત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ યાદવ પર ફાયરિંગ કરી બંનેને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં થેલેસેમિયાના કેસો વધતા આરોગ્ય તંત્ર સતર્ક, આ વર્ષે 2,015 મહિલાઓ અને 151 પુરુષો પોઝિટિવ આવ્યા