સુરત શહેરમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ હવે શહેરીજનો માટે નવી મુસીબત ઊભી થઈ છે. પૂરના ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે સુરત શહેર પર રોગચાળાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે પૂર બાદની અત્યંત ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે.

ગંદા પાણીના કારણે ચામડીના રોગોમાં 5 ટકાનો ઉછાળો

પૂરના પ્રદૂષિત પાણીના સંપર્કમાં આવવાના કારણે લોકોમાં ચામડીના ચેપી રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલા આંકડા અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ ચામડીના રોગોના કેસોમાં 5 ટકાનો સીધો વધારો નોંધાયો છે. દૂષિત પાણીમાં લાંબો સમય રહેવાને કારણે દાદર, ખંજવાળ અને એલર્જી જેવા ત્વચાના રોગોમાં ભારે ઉછાળો આવ્યો છે.

19 દિવસમાં ચામડીના 4,769 કેસ નોંધાયા

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી અધિકૃત માહિતી અનુસાર, છેલ્લા 19 દિવસમાં ચામડીના રોગોના રેકોર્ડબ્રેક 4,769 કેસ નોંધાયા છે. આ સિવાય, 13 જુલાઈ અને 14 જુલાઈના રોજ માત્ર બે જ દિવસમાં હોસ્પિટલના મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં કુલ 900 થી વધુ દર્દીઓ નોંધાયા હતા. આ પરિસ્થિતિ અંગે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે વિગતો આપી હતી. આ સાથે તેમણે લોકોને તકેદારી રાખવાની સલાહ પણ આપી છે.

પૂર પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર હાઈએલર્ટ

સુરત શહેરમાં વકરતા રોગચાળાને નાથવા માટે સુરત મનપા અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખાસ આરોગ્ય કેમ્પો, દવાઓનું વિતરણ અને ક્લોરીનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. તબીબો દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: શહેરના વેસુમાં શુભમ ભાર્ગવ આવાસ વરસાદી પાણીમાં ગરકાવ, સ્થાનિકોનો પાણીમાં બેસીને વિરોધ