દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મુશળધાર આફત બનીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે જાહેર કરાયેલા ભારે વરસાદના એલર્ટને પગલે સુરત અને નવસારીનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ થયું છે. સુરત શહેરમાં પણ સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના લીધે લો-લાઈંગ એરિયા (નીચાણવાળા વિસ્તારો) અને ખાડી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને સુરત મનપા કમિશનર એમ. નાગરાજને મોટો વહીવટી નિર્ણય લીધો છે. તેમણે પોતાની ગાંધીનગરની વીઆઈપી વિઝિટ તુરંત રદ કરી દીધી છે અને મનપાના તમામ સાત ઝોનના અધિકારીઓ તથા કર્મચારીઓને આગામી 48 કલાક સુધી પોતાની ફરજ પર તૈનાત રહેવા અને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ જારી કર્યા છે.

નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે સ્કૂલો-કોલેજોમાં તાળાં

બીજી તરફ, નવસારી જિલ્લામાં સ્થિતિ વધુ ચિંતાજનક હોવાથી હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. પુર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઉપરવાસના કારણે પાણીની સપાટી સતત વધી રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. નાના બાળકો અને વિદ્યાર્થીઓને કોઈ જાનહાની કે મુશ્કેલી ન નડે તે માટે નવસારી જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવીને જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણની કોલેજો તેમજ ITI સંસ્થાઓને સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જોકે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળાઓને ઓનલાઇન ક્લાસિસ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

પૂર નિયંત્રણ માટે મનપા અને ડીઝાસ્ટર ટીમ સજ્જ

સુરત મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે. કમિશનર એમ. નાગરાજને અધિકારીઓ સાથે ઇમરજન્સી રિવ્યુ મિટિંગ યોજીને ડીવોટરિંગ પંપ, જેસીબી મશીનરી અને હોડીઓ સહિતની બચાવ સામગ્રી તૈયાર રાખવા સૂચના આપી છે. નવસારી અને સુરત બંને જિલ્લામાં એનડીઆરએફ (NDRF) ની ટીમોને પણ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ-બાય એલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ ઈમરજન્સીમાં સત્તાવાર હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mahisagar: કડાણા-સંતરામપુરના જંગલ વિસ્તારો ખીલી ઉઠ્યા, ધાનેરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી