સુરત શહેરમાં ગત દિવસોમાં ખાબકેલા ભારે વરસાદ અને વહીવટી તંત્રના નબળા આયોજનના કારણે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સોસાયટીઓ, મુખ્ય માર્ગો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠ્યા બાદ નાગરિકોમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિપક્ષ અને સામાન્ય જનતાના આ પ્રચંડ વિરોધ અને પોતાની નિષ્ફળતા પર પડદો પાડવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાનનો દેખાડો શરૂ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

400 ટન કચરો અને મશીનરીનો મોટો કાફલો

પૂરના ગંદા પાણી જેમ-જેમ ઓસરી રહ્યા છે, તેમ-તેમ રસ્તાઓ પર ટનબંધ કચરો, પ્લાસ્ટિક અને દુર્ગંધ મારતો કાદવ જમા થઈ ગયો છે. આ ગંદકીને દૂર કરવા માટે એસએમસી (SMC) દ્વારા એક જ દિવસમાં 400 ટન જેટલો કચરો ઉપાડવામાં આવ્યો હોવાનો સત્તાવાર દાવો કરાયો છે. આ કામગીરીને અંજામ આપવા માટે પાલિકાએ શહેરના અલગ-અલગ ઝોનમાં થઈને કુલ 7,000જેટલા સફાઈ કામદારોને રસ્તા પર ઉતારી દીધા છે. આ ઉપરાંત જેસીબી, ડમ્પર અને કાદવ ખેંચવાના મશીનો સહિત ૨૩૪ જેટલી ભારે મશીનરીઓ સતત દોડતી કરવામાં આવી છે.

પાણીજન્ય રોગચાળો ડામવા હેલ્થ સર્વેલન્સ

બીજી તરફ, પૂરના પાણી ભરાઈ રહેવાના કારણે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ગંભીર દહેશત ઊભી થઈ છે. ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ, મલેરિયા અને તાવના કેસો ન વધે તે માટે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમોને તાત્કાલિક અસરથી સક્રિય કરવામાં આવી છે. પ્રભાવિત નીચાણવાળા વિસ્તારો અને ગલીઓમાં મેડિકલ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર હેલ્થ સર્વેલન્સ (આરોગ્ય તપાસ) શરૂ કરવામાં આવ્યું છે. ક્લોરિનની ગોળીઓનું વિતરણ, ફોગિંગ અને પોરાનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પ્રી-મોન્સૂન કામગીરી જ મજબૂત કરી હોત, તો સ્માર્ટ સિટીને ડૂબવાનો અને રોગચાળાના ભય હેઠળ જીવવાનો વારો જ ન આવ્યો હોત.

આ પણ વાંચો: Dahod: ઝાલોદમાં સોલાર કંપનીના નામે કરોડોનું મોટું વાહન કૌભાંડ આચરી ગેંગ ફરાર