સુરત શહેરના સણિયા હેમા ગામ ખાતે આવેલી રૂડા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અશોકભાઈ કોટડિયા નામના આધેડ સાથે સર્પદંશની એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજિંદા કામ દરમિયાન અચાનક આવી પહોંચેલા સાપે અશોકભાઈને પગના ભાગે એક નહીં પણ સતત બે વાર ડંખ માર્યો હતો.

સાપના બે ડંખ બાદ આધેડે તેને મારીને થેલીમાં પૂર્યો

સાપના હુમલા બાદ ગભરાવાને બદલે અશોકભાઈએ ભારે હિંમત દાખવી હતી. તેમણે ત્વરિત આસપાસમાંથી લાકડાનો ફટકો ઉગામી સાપ પર પ્રહાર કરી તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.સાપને માર્યા બાદ અશોકભાઈએ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી લીધો હતો અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. ૧૦૮ ની ટીમ સ્થળ પર પહોંચતા જ અશોકભાઈ મરેલા સાપની થેલી પોતાની સાથે રાખીને સારવાર અર્થે સુરતની સ્મીમેર (SMIMER) હોસ્પિટલ પહોંચ્યા હતા.

મરેલા સાપને થેલીમાં ભરી સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ જ્યારે દર્દીના હાથમાં રહેલી થેલીમાં મરેલો સાપ જોયો ત્યારે તેઓ પણ એક તબક્કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, દર્દી સાપ સાથે લાવ્યો હોવાના કારણે તબીબો માટે સાપ ઝેરી છે કે બિનઝેરી અને કઈ પ્રજાતિનો છે તેની ઓળખ કરવી સરળ બની હતી. સાપની ઓળખ સ્પષ્ટ થતાં જ તબીબોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આધેડની સઘન સારવાર શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ પણ વધુ સારા વરસાદની રાહમાં