આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના નામે મેટ્રો સિટીઝમાં કેવા ગંભીર દૂષણો પ્રવેશી રહ્યા છે તેનો એક જીવતો જાગતો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના સ્થાનિક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજ પટેલે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી એક વીડિયો સીરીઝ જાહેર કરીને સુરત અને ગુજરાતમાં ઓનલાઇન ચાલી રહેલા 'કપલ સ્વેપિંગ' (એકબીજાના લાઈફ પાર્ટનર અદલાબદલી કરવા) ના શરમજનક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેને લઈને અત્યારે સમગ્ર રાજ્યના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે ચર્ચા જાગી છે.

મિત્ર સાથે બનેલી ઘટના બાદ ઉઠાવ્યો અવાજ

રાજ પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી તેઓ આ ગંભીર મુદ્દા પર સતત ડિજિટલ માધ્યમો દ્વારા અવાજ ઉઠાવી રહ્યા છે. આ પ્રવૃત્તિ અંગે તેમને ત્યારે ખબર પડી જ્યારે તેમના પોતાના જ એક નજીકના મિત્ર વર્તુળમાં આ પ્રકારની ઘટના સામે આવી અને એક સુખી પરિવાર આ દૂષણના કારણે બરબાદીના આરે પહોંચી ગયો. રાજ પટેલે આક્ષેપ કર્યો છે કે ફેસબુક અને સિક્રેટ મેસેજિંગ એપ્સ પર આવા અનેક ગુપ્ત ગ્રુપો સક્રિય છે, જેમાં હજારો પરિવારો અને યુવાનો જોડાયેલા છે. આ ગ્રુપો દ્વારા ઓનલાઈન જ પાર્ટનર્સની પસંદગી અને સ્વેપિંગ માટેની મીટિંગ્સ ગોઠવવામાં આવે છે. આ એક એવું મોટું કારસ્તાન છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લગ્ન જેવી પવિત્ર સંસ્થાને પાયામાંથી હચમચાવી રહ્યું છે.

સંસ્કૃતિ બચાવવા સમાજને જાગૃત થવા હાકલ

પોતાના સંબોધનમાં ઇન્ફ્લુએન્સરે ભારે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "અત્યાર સુધી આપણે આ પ્રકારની વિકૃતિઓ માત્ર વિદેશી ફિલ્મો, પશ્ચિમી દેશોના સમાચારો કે એડલ્ટ વેબ સિરીઝમાં જ સાંભળી કે જોઈ હતી. પરંતુ હવે આ દૂષણ આપણા ગુજરાતના સંસ્કારી ઘરો સુધી પહોંચી ગયું છે, જે હિન્દુ સંસ્કૃતિ અને સામાજિક માળખા માટે અત્યંત ઘાતક છે." તેમણે ચેતવણી આપી છે કે જો આજે જ સમાજના વડીલો, જાગૃત નાગરિકો અને કાયદાકીય એજન્સીઓ ભેગા મળીને આ ઓનલાઈન ચાલી રહેલી અનૈતિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ નહીં લગાવડાવે, તો આવનારા સમયમાં આ જનરેશન માટે આ એક સામાન્ય પરંપરા અથવા ટ્રેન્ડ બની જશે, જે ક્યારેય ચલાવી લેવાય નહીં. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર કાયદાકીય સંસ્થાઓ અને સાયબર ક્રાઇમને આ પ્રકારના ફેસબુક પેજ અને ગ્રુપ્સ શોધીને ડિલીટ કરવા તથા સંચાલકો સામે કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Jetpur: સામાકાંઠા વિસ્તારમાં માલગાડી ટ્રેનની અડફેટે આવતા અજાણ્યા યુવકનું કરુણ મોત