દક્ષિણ ગુજરાતના ટુરિઝમ સેક્ટરમાં એક નવો અને રોમાંચક અધ્યાય જોડાયો છે.સુરત વન વિભાગ દ્વારા માંડવી તાલુકાના રમણીય કેવડી જંગલ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતની સર્વપ્રથમ જંગલ સફારીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.કેવડીથી રાજાના ટાંકા સુધીના આશરે પાંચ કિલોમીટર લાંબા કુદરતી જંગલ માર્ગ પર પ્રવાસીઓ હવે વન્યજીવોની દુનિયા નજીકથી અનુભવી શકશે.આ સફારી રૂટ પર ફરતી વખતે પ્રવાસીઓને કુદરતી આબોહવા વચ્ચે હરણ, નીલગાય, દીપડા તેમજ આકર્ષક ઉડતી ખિસકોલી સહિતના વન્યજીવો અને સેંકડો પ્રજાતિના પક્ષીઓ મુક્તપણે વિચરતા જોવા મળશે. 

હોર્નબિલ જેવા દુર્લભ પક્ષીઓ પણ આસાનીથી નજરે પડે છે

કેવડી અગાઉ માત્ર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને જળાશયોને લઈને જાણીતું હતું.પરંતુ 2023માં યોજાયેલા બર્ડ ફેસ્ટિવલ વખતે 116 પ્રકારના પક્ષીઓની નોંધણી થઈ હતી.ત્યારબાદ હાથ ધરાયેલા વ્યાપક સર્વેમાં અહીં પક્ષીઓની કુલ પ્રજાતિઓની સંખ્યા વધીને 202 સુધી પહોંચી હોવાનું સ્પષ્ટ થયું છે.આ જંગલોમાં હોર્નબિલ જેવા દુર્લભ પક્ષીઓ પણ આસાનીથી નજરે પડે છે.આ અંગે સુરત ડિવિઝનના નાયબ વન સંરક્ષક ધીરજ કુમારે આયોજન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,અમારો ઉદ્દેશ માત્ર સફારી શરૂ કરવાનો નથી,પરંતુ આગામી સમયમાં આખી ટૂરને સંપૂર્ણ પર્યાવરણપ્રેમી બનાવવાની છે.પ્રથમ તબક્કામાં ડીઝલ વાહનોથી શરૂઆત કરાઈ છે, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં અહીં ઇલેક્ટ્રિક જીપો દોડતી કરવામાં આવશે. 

કુદરતી વાતાવરણમાં વન્યજીવોના દર્શન: CCF પુનિત નૈયર

ઈવી જીપના ઉપયોગથી જંગલમાં અવાજ અને ધુમાડાનું પ્રદૂષણ બિલકુલ નાબૂદ થશે, જેને કારણે વન્યજીવોની દિનચર્યામાં કોઈ ખલેલ પહોંચશે નહીં. આમ, કેવડી ખાતે જંગલ સફારી, ઈકો-કેમ્પસાઈટ અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનનો ત્રિવેણી સંગમ રચીને તેને આદર્શ ઈકો-ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની વન વિભાગની નેમ છે.સુરત સર્કલના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (CCF) પુનિત નૈયરે આ નવા પ્રોજેક્ટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે,આ સફારીનો હેતુ પ્રાણીસંગ્રહાલય જેવા કૃત્રિમ માહોલનો નહીં, પરંતુ પ્રવાસીઓને અસલી જંગલના કુદરતી પરિવેશનો અહેસાસ કરાવવાનો છે.ગીચ વૃક્ષોની ઘટાટોપ છાંયડી, વનસ્પતિઓની સુવાસ અને પક્ષીઓના મધુર કલરવ વચ્ચે પસાર થતી આ સફારી પ્રવાસીઓ માટે અવિસ્મરણીય બની રહેશે.ખાસ કરીને, દુર્લભ ગણાતી ઉડતી ખિસકોલી અહીંનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ફટાકડાના ધુમાડાથી શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું, AQI 200ને પાર પહોંચી ગયો