સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રનું શક્તિપીઠ ગણાતી તેમજ પશુપાલકો માટે અત્યંત મહત્વપૂર્ણ 'સુમુલ ડેરી' (સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ) ના નવા હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી છે. આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે પ્રમુખ તરીકે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત અને ઉપપ્રમુખ તરીકે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ભરતસિંહ ડાભા (સોલંકી) ના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ મોવડી મંડળના બંધ કવરમાંથી નામો જાહેર
સુમુલ ડેરીની ચૂંટણી અને નવા હોદ્દેદારોની નિમણૂક છેલ્લા કેટલાક સમયથી ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ અને વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. સત્તા મેળવવા માટે પક્ષના નેતાઓમાં ભારે મનોમંથન ચાલતું હતું, જેના કારણે અગાઉ બે વખત બેઠકો અને ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી. આખરે આજે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પ્રદેશ ભાજપ અને મોવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલા બંધ કવર (મેન્ડેટ) માંથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
